નોંધ: પ્રસ્તુત અભ્યાસ લેખ 'સંવાદ ઈ-જર્નલ' સામયિકમાં પ્રકાશિત થયેલ છે, આમાંની કોઈપણ વિગતોનો ઉપયોગ નીચે પ્રમાણેનો સંદર્ભ આપીને જ કરવો. અન્યથા તે Plagiarism (સાહિત્યિક ચોરી) ગણાશે.
સંદર્ભ: રાજ્યગુરુ, ધવલ. 'ગુજરાતી સાહિત્યમાં 'ઉદ્ધવ'નું પાત્ર: એક અભ્યાસ' . સંવાદ ઈ-જર્નલ : વોલ્યૂમ-૧, ઉસ્યૂ -૩. જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૨૩. રંગમતિ પબ્લિકેશન.
ગુજરાતી સાહિત્યમાં 'ઉદ્ધવ'નું પાત્ર: એક અભ્યાસ
ભારતમાં વૈદિકકાળથી ભક્તિમાર્ગનું પ્રચલન જોવા મળે છે, જે
ઈ.સ.ની નવમી - દસમી સદીથી વેગ પકડે છે. આ પ્રચલનની અસર હેઠળ પંદરમી સદીથી ગુજરાતી
ભાષા - સાહિત્યમાં એક નવા જ યુગનો પ્રારંભ થાય છે. ભક્તિરસથી ભરપૂર એવા આ યુગને 'યથા
ગુણા તથા નામા' અનુસાર ‘ભક્તિયુગ’ નામ આપવામાં આવ્યું. જેમાં 'રામાયણ',
'મહાભારત', 'કૃષ્ણકથા'- 'કૃષ્ણલીલા' અને 'શ્રીમદ્
ભાગવત' જેવા વિષયો પર સાહિત્યનું સૌથી વધુ ખેડાણ થયેલું જોવા
મળે છે. ‘નવધાભક્તિ’ કરી ભક્ત પરંપરાના શિખરે પહોંચવું એ તો એ સમયના સમાજનું મુખ્ય
લક્ષણ હતું જ; તેની સાથે-સાથે 'પ્રેમલક્ષણાભક્તિ'
દ્વારા સાહિત્યને પણ તેની ચરમસીમા સુધી પહોંચાડવાનું કામ તે સમયના પોતાને ભક્ત-દાસ-ભટ્ટ
તરીકે ઓળખાવતા કવિઓએ કર્યું. આ ભક્તિસહિત્યમાં કેન્દ્રસ્થાને મોટાભાગે ‘કૃષ્ણ’ અને
‘કૃષ્ણલીલા’ જ રહ્યાં છે. આવા યુગપુરુષ એવા કૃષ્ણની કીર્તિના પ્રકાશમાં તેની આસપાસના
પાત્રો થોડા ઝાંખા નજરે પડે તે સ્વાભાવિક છે. અહિ આવા જ એક પાત્ર વિશે એટલે કે,
કૃષ્ણના પરમભક્ત 'ઉદ્ધવ'ના પાત્ર પર ગુજરાતી સાહિત્યના ખભે ચડીને ડોકિયું કરવાની
કોશિશ કરવામાં આવી છે.
ઉદ્ધવ: પરિચય
ગુજરાતી સાહિત્યમાં 'ઓધવજી', 'ઓધાજી' કે ‘ઉધા’ જેવા નામોથી પણ જે જાણીતા છે તેવા 'ઉદ્ધવજી'ના
શ્રીકૃષ્ણ સાથેના સંબંધ વિશે અમુક મતમતાંતરો જોવા મળે છે. જો કે, ‘શ્રીમદ્
ભાગવત’ના દશમસ્કંધ મુજબ ઉદ્ધવ એ વસુદેવના ભાઈ ભાગદેવના પુત્ર એટલે કે શ્રીકૃષ્ણના
પિતરાઈ ભાઈ હતા. ‘શ્રીમદ્ ભાગવત’ના દશમસ્કંધમાં અધ્યાય-૪૬માં ઉદ્ધવના થયેલ વર્ણન
મુજબ ઉદ્ધવ યાદવોના ઉત્તમ મંત્રી, સાક્ષાત્ બૃહસ્પતિના શિષ્ય, શ્રેષ્ઠ
બુદ્ધિવાળા અને ભગવાનના પ્રિય સખા હતા.
(‘શ્રીમદ્ ભાગવત’-દશમસ્કંધ-અધ્યાય-૪૬/શ્લોક-૧)
ઉદ્ધવના જીવનપ્રસંગોને વણી લેતી કથાવસ્તુ પર રચાયેલ
ગુજરાતી સાહિત્ય
'દશમસ્કંધ'માં આવતી કથાનું
કથાવસ્તુ લઈને ભારતની કેટલીયે ભાષાઓમાં પુષ્કળ કૃતિઓ રચાઈ છે. ગુજરાતીમાં પણ ઘણી
કૃતિઓ જોવા મળે છે. જેમાં 'પ્રેમપચિસી' -વિશ્વનાથ
જાની, 'પ્રેમરસગીતા' અને 'પ્રેમપરીક્ષા'- દયારામ, 'ઉદ્ધવગીતા'-મુક્તાનંદ
સ્વામી, 'ભ્રમરગીતા'- બ્રેહેદેવ
(જેને કર્તા ‘રઢિયાળો રાસ’ તરીકે ઓળખાવે છે), 'ભ્રમરગીત
ફાગ’- ચતુર્ભુજ (જે ‘શ્રીકૃષ્ણગોપીવિરહમેલાપક- ભ્રમરગીતા’ના નામે
પણ જાણીતી થઇ ) વગેરે જેવી પદ્યકૃતિઓ આપણને મધ્યકાળમાં મળે છે. આ ઉપરાંત
નરસિંહ-મીરાંના પદોમાં અને ઘણાં લોકજીભે ચડેલા પદો-કીર્તનોમાં ઠેક-ઠેકાણે ‘ઓધવજી’,
‘ઓધાજી’ કે ‘ઉદ્ધવજી’ના ચરિત્રનો ઉલ્લેખ થતો જોવા મળતો રહેલો છે. આ બધામાં મૂળે તો
‘ઉદ્ધવસંદેશ’ની જ વાત સ્પષ્ટ રીતે જોવા મળે છે.
ઉદ્ધવસંદેશનું
મૂળ કથાવસ્તુ
કંસના સંહાર પછી મથુરાના રાજા બનેલા શ્રીકૃષ્ણ થોડા
વખતથી સતત ઉદાસીન રહે છે. તેમની આ હાલત તેમના જન્મદાત્રી દેવકીને સહ્યું જતું નથી.
પુત્રને રીઝવવા માતા ઘણા પ્રયાસો કરે છે. અનેક પ્રલોભનો છતાં પણ કૃષ્ણની સ્થિતિમાં
કોઈ જ ફરક પડી નથી રહ્યો. કૃષ્ણની આવી દશા જોઇને તેના માતા-પિતા ચિંતિત થઇ ઉઠે છે.
એવામાં શ્રીકૃષ્ણના નિકટના લોકોમાં જેનો સમાવેશ થાય છે, તેવા ઉદ્ધવ શ્રીકૃષ્ણનું
મન વાંચી લે છે. તેઓ સમજી જાય છે કે, કૃષ્ણને તેના વિયોગી માતા-પિતા અને
ગોપ-ગોપીઓની યાદ સતાવી રહી છે અને તેનાથી પણ વધુ કૃષ્ણને એ લોકોની ચિંતા થઇ રહી
છે. કૃષ્ણ તે સૌને મળવા ઉત્સુક થઇ રહ્યાં છે. આથી જ વિરહમાં તેને અન્ન પણ ભાવતું
નથી. આવી સ્થિતિમાં વેદાંતના પ્રખર જ્ઞાતા અને બુદ્ધિજીવી એવા ઉદ્ધવજીએ કૃષ્ણને
સલાહ આપી કે, 'આપ નાના હતાં ત્યારે વ્રજમાં ગોપ-બાળકો સાથે બહુ રમતા હતાં તેવું
મેં સાભળ્યું છે, પણ હવે તમે મથુરાના રાજા થયા છો. તેથી એ ગામડાના ગોવાળો સાથે રમવાનો
વિચાર પણ કરશો નહિ. એ વ્રજવાસીઓને ભૂલી જાઓ. ગોકુળને ભૂલી જશો તો જ આપને મથુરાની
રાજ-સંપત્તિમાં, મથુરાના ઐશ્વર્યમાં આનંદ આવશે.’(ભાગવત રહસ્ય, ભાગ-૨)
ત્યારે શ્રીકૃષ્ણ સમજી જાય છે કે પ્રખર
જ્ઞાની એવા ઉદ્ધવ પાસે ભલે જ્ઞાનનું ભાથું છે, પણ ભક્તિના સ્વાદથી હજી વંચિત છે.
આથી ઉદ્ધવને ભક્તિ અને પ્રેમરસનો સ્વાદ ચાખવા મળે એવા શુભાશયથી કૃષ્ણ તેને વ્રજમાં
મોકલવાનું નક્કી કરે છે. તેઓ ઉદ્ધવને કહે છે:
ઉદ્ધવને કહે કૃષ્ણજી : ‘સાંભળો મારા ભ્રાત!
વેગે વ્રીજ્ય જાઓ તમ્યો, વાટ જુએ છે માત.’ ૧
જઈને નિશ્ચે કરી, કેહેજ્યો એક વચન:
‘રાત્ય દિવસ અળગું નથી, તમથી મારું મંન.’૨
પ્રેમપચીસી(વિશ્વનાથ જાની) / પદ-૧૦ / દુહો-૧,૨
અર્થાત્ ‘હે ઉદ્ધવ, મારા ભાઈ! તમે વ્રજધામમાં જઈને મારા
માતા-પિતાના સંતોષ માટે અને મારા વિયોગથી ગોપીઓને જે તીવ્ર દુઃખ થાય છે, તેમની
પાસે જઈને મારા સમાચાર આપીને તેમનું દુઃખ દૂર કરો. ત્યાં જઈને તેમને કહેજો કે
તમારાથી મારું મન સહેજ પણ અળગું રહેતું નથી.’ આગળ ઉમેરતાં કહે છે કે, ’વ્રજવાસીઓએ
મારા માટે સર્વ સુખોનો ત્યાગ કર્યો છે, મેં તેઓને કહેલું કે-હું આવીશ. એટેલે મારી
પ્રતીક્ષામાં તેઓએ તેમના પ્રાણ ટકાવી રાખ્યા છે. મા વિચારે છે કે – કનૈયો આવીને
બધાને પૂછશે કે મારી મા ક્યાં છે? હું ના હોઉં તો લાલાને બહુ દુઃખ થશે. એટલે માએ પ્રાણ
ટકાવ્યા છે. વિરહમાં એ રડે છે પણ પ્રાણ છોડતી નથી. તું એમને નિરાકાર, નિર્ગુણ
બ્રહ્મનો ઉપદેશ કર, તેઓ નિર્ગુણ બ્રહ્મના ઉપાસક બને, તેઓ મને ભૂલી જાય, તો હું પણ
એમને ભૂલી શકીશ.’ (ભાગવત રહસ્ય, ભાગ-૨) . આ વાત કૃષ્ણએ જ કહેવા માટે
ઉદ્ધવને મોકલ્યા છે તેની વ્રજવાસીઓને ખાતરી કરાવવા કૃષ્ણ પોતાની વૈજયંતિમાલા અને
પોતાનું પીતાંબર પણ ઉદ્ધવને આપે છે. કેમ કે, ગોકુળની સ્ત્રીઓ પર-પુરુષ સાથે વાત પણ
નથી કરતી. જો તેઓ કૃષ્ણના પીતાંબર અને વૈજયંતિમાલા જોશે તો નિ:સંકોચ તેઓ શ્યામના
લાડીલા એવા વ્યક્તિ સાથે વાત કરવા તૈયાર થશે.
કૃષ્ણને ખબર હતી કે પોતે ઉદ્ધવને ખૂબ અઘરું કામ સોંપી રહ્યાં છે, તેમ છતાં
આ કામ સોંપવા પાછળનો એમનો આશય કંઇક એવો હતો કે, વ્રજવાસીઓને ધરપત થશે કે કૃષ્ણ હજી
પણ તેમને ભૂલ્યા નથી. સાથે-સાથે ઉદ્ધવ વ્રજમાં જઈને પોતાની નજરે જોઈ આવે કે
ગોપીઓનો ‘કામગંધહિન’ પ્રેમ કેટલો ઉત્કૃષ્ટ કોટિનો છે! નિર્ગુણભક્તિ અને
સગુણભક્તિનો વચ્ચેનો ભેદ પણ તે સમજી શકશે.
ઉદ્ધવના
ગોકુલગમન સમયે શ્રીહરીન્દ્ર દવે પોતાની નવલકથા ‘માધવ ક્યાંય નથી’ માં આલેખે છે તેમ, ઉદ્ધવ અને કૃષ્ણ
બંનેનો શારીરિક બાંધો સરખો હોવાને લીધે તેમજ કૃષ્ણના પીતાંબર અને વૈજયંતિમાલા
પહેરવાના લીધે સંધ્યા સમયે ગોકુળ આવતા ઉદ્ધવને દૂરથી જોઇને ઘડીભર તો દરેક વ્રજવાસીને
ભ્રમ થાય છે કે, કૃષ્ણ આવે છે. જેમ-જેમ ઉદ્ધવનો રથ નજીક આવતો જાય છે તેમ-તેમ બધાનો
આ ભ્રમ ભાંગતો જાય છે. ઉદ્ધવના ગોકુલાગમન વખતે ગોપીઓ અને યશોદાના મુખેથી જ જાણે
ગવાયાં હોય તેમ કેટકેટલાંય કીર્તનો-પદો આપણા લોકસાહિત્યમાં જોવા મળે છે. જેમકે,
“રથમાં બેસીને ઓધવ એકલાં કેમ આવ્યાં?
કાનુડાને ક્યાં
મેલી (મૂકી) આવ્યાં ? કહોને ઓધવ...” (લોકગીત)
ગોકુળમાં શ્રીકૃષ્ણનો સંદેશો લઈને ગયેલા ઉદ્ધવને નંદ-યશોદાની પુત્રમિલનોત્સુકતા
અને પુત્રવિરહનું દર્દ અનુભવાય છે. તો ગોપીની કૃષ્ણવિરહસ્થિતિ અને વિપ્રલંભ-કરુણ સ્થિતિથી
પણ તેઓ પરિચિત થાય છે. માતા યશોદા સાથેનો સંવાદ હોય કે ગોપીઓ અને રાધા સાથેના
સંવાદો હોઈ, બધે જ તેમને કૃષ્ણની જ ઝલક દેખાય છે. કૃષ્ણ ભલે સદેહે ત્યાં હાજર ના
હોય, પણ તેમ છતાં કૃષ્ણની સુવાસ ત્યાં બધે જ ફેલાયેલી અનુભવાય છે.
ઉદ્ધવ અને
નંદ-યશોદાના સંવાદમાં આપણને ઉદ્ધવની ધીરજ અને મૃદુભાષાનો પરિચય થાય છે. એમણે નંદ-યશોદાને
શ્રીકૃષ્ણનો સંદેશો આપી જણાવ્યું કે કૃષ્ણ પણ તેમને એટલાં જ યાદ કરે છે જેટલાં તેઓ
શ્રીકૃષ્ણને કરે છે. એ પણ એટલાં જ ઉત્સુક છે મળવા માટે જેટલાં ઉત્સુક તેમના વિયોગી
માતાપિતા છે.
ગોપીઓ સાથેના
સંવાદ દ્વારા ગોપીઓના પ્રેમની ગંભીરતા, કૃષ્ણ પ્રત્યે
તેમની રીસ, કૃષ્ણ માટેનો તેમનો આવેગ જોઈને ઉદ્ધવ અત્યંત અચરજ
પામ્યાં. ભગવાન માટે આટલો પ્રેમ તો તેમણે સ્વપનમાં પણ વિચાર્યો ન હતો. તેઓ ગોપીઓને
કહે છે, ‘આપનું મન શ્રીકૃષ્ણમાં નિસ્વાર્થભાવે સમર્પિત છે, આપ
સહુ કૃતાર્થ છો અને સમસ્ત સંસારને માટે પૂજનીય છો. જગતમાં આપની કોઈ સરખામણી ન કરી
શકાય. આપે ભગવાન કૃષ્ણ પ્રત્યે જે પ્રકારની શ્રદ્ધાભક્તિ પ્રાપ્ત કરી છે, તે
ઋષિમુનિઓને પણ દુર્લભ છે.’ (ભાગવત રહસ્ય, ભાગ-૨)
કૃષ્ણનો સંદેશ
લઈને આવેલ ઉદ્ધવ સાથે કૃષ્ણ માટે પ્રત્યુત્તર આપતા ગોપીઓ જાણે કહેતી હોઈ તેમ
ગુજરાતી સાહિત્યમાં પદોની રચના થયેલ છે. જેમકે,
ઉદા.-૧
‘ઉદ્ધવ કેજો વાલાને એક વાત રે,
મને વાલા વિના રહેવાતું નથી; ઉદ્ધવ.
ટેક.
વિરહની વાધી વેદના વાલો વસ્યા વિદેશ,
અંતર ઝાળ ઝંપે નહિ ક્યાં જઇ સ્થિર ઠરેશ;
મારું જોબન જીવન વિના જાતું રહે,
નયણે નીર વહે નારી જાતરે...’ – નારાયણદાસ
ઉદા.-૨
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મારા વ્હાલાને વઢીને કે’જો જી
વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી... –ભગા ચારણ
ગોકુળમાં બનતી
દરેક ઘટનાઓથી જ્ઞાનમાર્ગના ઉપાસક એવા ઉદ્ધવ ભક્તિમાર્ગને પણ એટલું જ મહત્વ આપવા
લાગે છે. સંદેશો લઈને આવેલા ઉદ્ધવ વ્રજમાં પુરા છ મહિના રોકાય છે અને કૃષ્ણભક્તિના
રસમાં ડૂબકી લઇ-લઈને ન્હાય છે.
સામાન્ય રીતે
ઉદ્ધવસંદેશના કાવ્યોમાં ગોપીવિરહ, નંદ-યશોદાનો પુત્રપ્રેમ અને મથુરામાં રહેતા
શ્રીકૃષ્ણની ઉદાસીનતાનુ વર્ણન ધ્યાન ખેંચતું હોય છે. આ સાથે આડકથાની જેમ આપણને ઉદ્ધવજીની
નિર્ગુણભક્તિ સગુણભક્તિમાં રૂપાંતરિત થતી જણાય છે.
ઉદ્ધવગીતા
ગોપીઓ અને
રાધા સાથેના ઉદ્ધવજીના જે સંવાદો છે, તેનું અલગથી કથાવસ્તુ લઇ ઘણાં સર્જકોએ સાહિત્યસર્જન
કર્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુકવિ મુક્તાનંદજીની કૃતિ ‘ઉદ્ધવગીતા’ના ૧૦૮
કડવાં અને ૨૭ પદોમાં ભાગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવ-ગોપી સંવાદનું વિસ્તારથી વર્ણન થયેલું
છે. જેમાં ગોપીઓ દ્વારા કૃષ્ણના પૂર્વાવતારનું કથાનક શ્રીકૃષ્ણની નિષ્ઠુરતા
દર્શાવવા જ રચાયું હોય તેમ લાગે છે. ગોપીઓ દ્વારા કૃષ્ણ માટે એમાં ભારોભાર ઉપાલંભ
અને વાક્ચાતુરી રહેલ છે.
કૃષ્ણ મથુરાથી
ગોકુળ નથી આવી રહ્યાં તેનું એક મુખ્ય કારણ કંસની દાસી કૂબ્જા છે, તેવું રહસ્ય પામી
ગઈ હોય તેમ ગોપીઓ ઉદ્ધવને કહે છે:
એક કેહે: ‘રે પૂછો પેહેલું; કોય મા કરશો હાંશી,
કૂબડી કૃષ્ણે ઘેર રાખી છે, તે કહાવે કંસની દાસી.
–પ્રેમપચીસી(વિશ્વનાથ જાની) : પદ-૧૭, પંક્તિ-૮
અહિ રાધા સાથે નિશદિન રમતો; ઉદ્ધવ! સુણિયે થોડી,
મહિમા મથુરા માંહ્યે વધારો, ઘેર રાખતાં ખોડી!
–પ્રેમપચીસી(વિશ્વનાથ જાની) : પદ-૧૭, પંક્તિ-૯
‘રામા! રેહ રે લખલખ કરતી; તે કને મંત્રજંત્ર છે બુટી;
‘શું થયું?’ ‘જો હજી અજપર થાશે, ટોલાં ઘેડશે ટૂટી’.
–પ્રેમપચીસી(વિશ્વનાથ જાની) : પદ-૧૭, પંક્તિ-૧૦
એક કહે: ‘પેહરાવી તેહને, ચ્યતુર રાયેજીએ ચૂડી;
તો મોહન મથુરા ક્યમ મૂકે? દોહેલે પામ્યા ખોડી.
–પ્રેમપચીસી(વિશ્વનાથ જાની) : પદ-૧૭, પંક્તિ-૧૧
મહાભારતમાં
શ્રીકૃષ્ણાર્જુનસંવાદ ‘ગીતા’ તરીકે ઓળખાયો. એ જ રીતે ગુરુ-શિષ્યની જ્ઞાનચર્ચા કરતી
જ્ઞાનગીતાઓની જેમ ભાગવતના ઉદ્ધવ-ગોપીસંવાદને પણ ‘ગીતા’ નામે પ્રચલિત કરવામાં
આવ્યો. જેમાં ગોપીઓએ પોતાની વક્રોક્તિઓ અને ઉપાલંભો દ્વારા ભ્રમરને ઉદ્દેશીને વાતની
શરૂઆત તો કરે છે પણ વાત આગળ વધતી જાય છે તેમ-તેમ ભ્રમરનું પાત્ર ગૌણ બનતું જાય છે.
ઉદ્ધવને જ ભ્રમર કહીને સંબોધી ગોપીને આડકતરી રીતે અંતે તો ઉદ્ધવના માધ્યમથી કૃષ્ણ
સુધી જ પોતાનો સંદેશો પહોંચાડવાનો છે. કેટલાંક કવિઓએ આ પ્રકારની કૃતિઓને ‘ભ્રમરગીતા’
ન કહેતા ‘રસિકગીતા’ (ભીમ, વૈષ્ણવ), ‘વિરહગીતા’ (પ્રિતમદાસ), ‘વ્રિહેગીતા’ (નાકર),
‘પ્રેમરસગીતા’ (દયારામ) જેવા નામોથી ઓળખાવી છે.
ઉદ્ધવને
કૃષ્ણનો ગીતા ઉપદેશ
કૃષ્ણભક્તિના
રંગમાં રંગાયેલા ઉદ્ધવ કૃષ્ણજીવનપર્યંત શ્રીકૃષ્ણનો પડછાયો બનીને તેમની સાથે રહે
છે. ‘યાદવાસ્થળી’ની ઘટના સમયે તેઓ સમજી ગયા હતાં કે કૃષ્ણ પણ આ લોકનો ત્યાગ કરશે.
આથી, તે કૃષ્ણના શરણે જઈને પ્રાર્થના કરતા કહે છે - ‘તમારા વિરહમાં હું કેવી રીતે જીવીશ?’
ત્યારે જવાબમાં શ્રીકૃષ્ણે ઉપદેશ આપતા કહ્યું કે, ‘તારો ઉદ્ધાર તારે જ કરવાનો છે.
તું જ તારો ગુરુ થા. आत्मना गुऱुरात्मैव- ‘આત્મા
જ આત્માનો ગુરુ છે.’ (ભાગવત રહસ્ય, ભાગ-૨) આ સમયે આપણને ચોક્કસ
ગુજરાતી સાહિત્યની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ યાદ આવે કે, ‘ગુરુ થા તારો તું, અવર નથી કાંઈ
કરવા.’
પોતાના અંત
સમયમાં કૃષ્ણે ઉદ્ધવને પોતાનું જ્ઞાન પીરસ્યું. જેમાં સત્સંગનો મહિમા, પોતાની
વિભૂતિઓનું વર્ણન, ત્યાગ-સન્યાસનો ઉપદેશ, ગુરુમહિમા, બંધન અને મોક્ષનું સ્વરૂપ,
સાધુપુરુષોના લક્ષણો, ભક્તિના લક્ષણો, સંસારવૃક્ષનું વર્ણન, યોગશાસ્ત્રનું જ્ઞાન,
ધર્મનો મહિમા, વર્ણાશ્રમ, જ્ઞાન-કર્મ-ભક્તિયોગ જેવા ગીતાના તત્વ-સત્વરૂપ નિચોડ
હતો.
જ્ઞાનીભક્ત
ઉદ્ધવ પોતાના અંતસમયમાં કૃષ્ણે આપેલ માર્ગદર્શન મૂજબ તેમને દીધેલા બોધનું
ચિંતન-મનન કરવા અને ઇન્દ્રિયસંયમ કરવા અલકનંદાને કિનારે બદરિકાશ્રમમાં જવા પ્રયાણ
કરે છે, ત્યાં રહે છે અને સમય જતાં સદ્ગતિ પ્રાપ્ત કરે છે.
-x-
સંદર્ભસૂચી
પુસ્તક
/ લેખ:
1) શુક્લ,
અનિલ પ્રવીણભાઈ & પટેલ, સોમભાઈ મોહનદાસ. ‘મહર્ષિ વેદવ્યાસરચિત શ્રીમદ્
ભાગવત-મૂળ રૂપે ‘ ભાગ-૨,
2) શુક્લ,
અનિલ પ્રવીણભાઈ. ‘ભાગવત રહસ્ય’ ભાગ-૨.
3) ગુજરાતી
સાહિત્યકોશ ભાગ-૧.
4) ગુજરાતી
સાહિત્યનો ઈતિહાસ, ગ્રંથ-૨, ખંડ-૨.
5) ડૉ.
પૂર્વી ઓઝા , ‘પ્રેમપચીસી: એક અધ્યયન’ , બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.- MGT-206,
બ્લોક-૧
વેબસાઈટ:
1)
www.swaminarayanworld.net/en/node/1092
2) https://www.gujaratsamachar.com/amp/news/dharmlok/lord-krishnas-teachings-to-uddhavaji-contemplation-of-adhikamas
3) https://vivekananda.live/jyot/2021/08/01/sri-krishna-ane-sandeshavahak-uddhava/
નોંધ: પ્રસ્તુત અભ્યાસ લેખ 'સંવાદ ઈ-જર્નલ' સામયિકમાં પ્રકાશિત થયેલ છે, આમાંની કોઈપણ વિગતોનો ઉપયોગ નીચે પ્રમાણેનો સંદર્ભ આપીને જ કરવો. અન્યથા તે Plagiarism (સાહિત્યિક ચોરી) ગણાશે.
સંદર્ભ: રાજ્યગુરુ, ધવલ. 'ગુજરાતી સાહિત્યમાં 'ઉદ્ધવ'નું પાત્ર: એક અભ્યાસ' . સંવાદ ઈ-જર્નલ : વોલ્યૂમ-૧, ઉસ્યૂ -૩. જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૨૩. રંગમતિ પબ્લિકેશન.
ગ્રંથાવલોકન કરનાર:
ધવલકુમાર કીર્તિકુમાર રાજ્યગુરુ,
M.A., NET-JRF in Gujarati,
Research Scholar,
Hemchandracharya North Gujarat University, Patan

No comments:
Post a Comment